01 August 2014

Precautions-for-jewelry & care- ઘરેણાંની સારસંભાળ માટેની સાવચેતીઓ

ઘરેણાંની સારસંભાળ માટેની સાવચેતીઓ


તમે તમારી મનપસંદ જ્વેલરી ખરીદવા કેટલાં ચક્કર કાપો છો, કેટલો બધો સમય પસાર કરી શ્રેષ્ઠ ડિઝાઇન, ઘડામણ અને ઘાટ વગેરે જોઇને પછી નક્કી કરી ખરીદો છો. પણ શું તમે તમારા ઘરેણાંની યોગ્ય રીતે સંભાળ રાખો છો ખરાં?
* તમારા ઘરેણાં સૂકી જગ્યા પર રાખો. તેના પર વધુ પડતી ગરમી કે ઠંડીની અસર થાય નહીં તેનું ધ્યાન રાખો.
* સોફ્ટ પાઉચ, સોફ્ટ કપડું કે પ્લાસ્ટિકની ઝીપ લોકવાળી કોથળીમાં ઘરેણાં રાખો.
* આ બધાં ઘરેણાં જુદા જુદા પાઉચમાં રાખો. તેનો જ્વેલરી બોક્સની અંદર ભરાવો કરો નહીૅ.  જો નાનકડી જ્વેલરીનું ધ્યાન રહે નહીં તો ભરાવાને કારણે તેમાંથી સ્ટોન ખોવાઇ જવાની, નીકળી જવાની વગેરે બીક રહે છે.

જ્વેલરી પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૃરી છે.
* કોઇપણ દિવસ તમારી જ્વેલરી કાઢીને વોશ બેસીનની કિનારી કે બાથટબની કિનારી ઉપર મૂકશો નહીં. તે સરળતાથી સરકીને ગટરમાં જઇ શકે છે.
* જ્વેલરી પહેરીને ક્યારેય મેકઅપ કે હેર સ્પ્રેનો ઉપયોગ કરવો નહીં. તેમાંના રસાયણો જ્વેલરીને નુકસાન પહોંચાડે છે.
* શક્ય હોય, ત્યાં સુધી રોઝ ક્વાર્ટઝ અને એમેથીસ્ટ જેવા નગો સૂર્ય પ્રકાશમાં વધુ પડતા પહેરવાનું ટાળવું કારણ કે તે સૂર્યપ્રકાશથી ઝાંખા થઇ જાય છે.
* હંમેશા ઘરેણાંના નંગો ચોખ્ખા રાખો. ઘરે તેની સાફસફાઇ કરવા ઉપરાંત સમયાંતરે જ્વેલર પાસે લઇ જઇ ચોખ્ખા કરાવતાં રહો.
* દર છ મહિને જ્વેલરીનું પરીક્ષણ કરાવતાં રહેવું. નંગ બરાબર ફીટ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરી લેવી. પોલીશીંગ કે રીક્ટીંગની જરૃરત લાગે તો વોરંટી સમયમાં તે કરાવી શકાય.
મોટા ભાગનાં નંગ અને જ્વેલરીને હળવા સાબુના દ્રાવણમાં ધોઇ શકાય છે. સહેજ હૂંફાળા, સાબુના પાણીમાં જ્વેલરી ધોવાની પ્રક્રિયા સૌથી સલામત છે. એક બાઉલમાં હળવું, પ્રવાહી ડિટરજન્ટ નાખી તેના દ્રાવણમાં જ્વેલરી ડુબાડો અને ડૂબેલી હોય ત્યારે જ હળવા બ્રશથી હલકે હાથે ઘસીને સાફ કરો. પછી ગળણીમાં તે ઘરેણાં રાખી વહેતા પાણી નીચે રાખો. પાણી નીતારી રેસાવગરનાં  કપડામાં થપથપાવીને સાફ કરો. પણ સાબુનું દ્રાવણ અંબર, કોરલ, એમરાલ્ડ, જેડ, કુંઝીટ, લાપીસ લાઝુલી, ઓપલ, મોતી કે ટર્કોઇસની જ્વેલરી માટે વાપરવું નહીં. ક્યારેય ટુથપેસ્ટ જેવી કડક અને તેજ વસ્તુ ઘરેણાં સાફ કરવા વાપરવાથી નહીં. ઘરેણાંને એમોબાથ દ્વારા સાફ કરી શકાય. તેમાં એક ભાગ પ્રવાહી એમોનિયા, ત્રણ ભાગ પાણી નાખી અંદર ઘરેણાં ડુબાડો અને પછી તેને કપડામાં થપથપાવીને સાફ કરી લો.  આ પ્રક્રિયા એલેક્ઝાન્ડ્રાઇટ, એમેથીસ્ટ, એન્ડાલ્યુસાઇડ, એક્વામરીન, સાઇટ્રીન, ડાયમંડ, ગાર્નેટ, મુનસ્ટોન, રૃબી, સેફાયર, સ્પાઇનેલ, તાન્ઝાનાઇટ, ટોપાઝ, ટુર્માલીન અને ઝીરકોન માટે શ્રેષ્ઠ છે. અન્ય વ્યાવસાયિક પ્રવાહીઓનો સંભાળીને ઉપયોગ કરવો. ઉપરની પધ્ધતિઓ હીરા, રૃબી અને સેફાયર માટે સલામત છે પણ બને ત્યાં સુધી મોતી અને  એમેરાલ્ડ જેવા નંગ થોડી મિનિટથી વધુ વાર માટે પલાળવાનું ટાળો. કારણ કે તેમ કરવાથી તેમને નુકસાન થાય છે. અને તેની ચમક જતી રહે છે.

વીંટીની સંભાળઃ
તમે જે વીંટી પહેરો તે સમયે સમયે સાફ કરતાં રહો, જેથી કોસ્મેટીક, સાબુ કે ત્વચાના તેલથી ધૂંંધળું બની ગયેલું તેનું સૌંદર્ય પાછું મેળવી શકાય.
* ઘરનાં કામો કરતા પહેલાં વીંટીઓ કાઢી લો, હીરા, ખાસ કરીને ચીકાશ અને તેલ ખૂબ જલદી પકડે છે.
* બાગકામ કરતી વખતે, તેના સાધનો વાપરતી વખતે કે રમતી વખતે વીંટીના નંગને નુકસાન થઇ શકે છે. તેથી આવા કામો શરૃ કરતા પહેલાં વીંટી કાઢી લો.

બહારગામ જાઓ ત્યારેઃ
* તમે જે બેગ હાથમાં રાખવાના હો તેમાં જ તમારી જ્વેલરી મૂકો, બીજી કોઇ બેગમાં નહીં.
* ક્યારેય હોટલની રૃમમાં જ્વેલરી મૂકીને જવી નહીં. તેને બદલે હોટલના સેફટી ડિપોઝીટ બોક્સમાં મૂકવી.
* બને તો શરીર સાથે ચોંટી જાય તેવા બોડી પાઉચનો દાગીના રાખવા માટે ઉપયોગ કરો.
* પ્રવાસના સ્થળો જોવા જાઓ ત્યારે સાથે દાગીના લઇને ક્યારેય જવું નહીં.

હીરાની સંભાળ કેમ રાખશો?
હંમેશાં હીરાને ફેબ્રીકનું અસ્તર ધરાવતા બોક્સ કે  ખાનાવાળા બોક્સમાં રાખો. દરેક પીસ જુદા જુદા ટીશ્યુ પેપરમાં વીંટાળીને રાખો.
* હંમેશા હીરાને  ક્લોરીન, બ્લીચ કે અન્ય ઘરમાં વપરાતા રસાયણોથી દૂર રાખો. તે નંગનો રંગ અને આકાર બદલી શકે છે. સ્વીમીંગ પુલ કે હોટ ટબમાં ઉતરતા પહેલાં હીરાની જ્વેલરી કાઢી નાખો.
* પ્રવાસમાં હો ત્યારે જ્વેલરી સાફ કરવાનું પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં સાથે રાખો.
જ્યારે ડાયમંડનો સેટ મોતી, ઓપલ, કોરલ, લાપીઝ લાઝુમી, ટર્કોઇસ સાથે હોય ત્યારે તેને સાફ કરવા માટે એમોનિયાનું દ્રાવણ વાપરવું નહીં. બને તો જ્વેલર પાસે અલ્ટ્રાસોનિક ક્લીનર્સ દ્વારા જ્વેલરી સાફ કરાવવી. હીરાને આંગળીનો સ્પર્શ કરવો નહીં. જ્વેલરીને તેના છેડેથી પકડવી.

નંગોની જાળવણીઃ
હંમેશા જેમસ્ટોન કે નંગોને અચાનક ઉષ્ણતામાન બદલાતું હોય તેવી જગ્યાથી દૂર રાખો. મીઠાના પાણી અને ક્લોરીન કે ડીટરજન્ટ જેવા રસાયણોથી જેમ સ્ટોનનું  ફીનીશીંગ અને પોલીશ નીકળી જાય છે. ઓપલ અને મોતીને સમયાંતરે સાફ કરાવતાં રહો. તેને સહેજ ભીના કપડાંથી સાફ કરવાથી તેની ચમક લાંબો સમય ટકી રહે છે.

સોનુંઃ
નહાતા પહેલા સોનાના ઘરેણાં કાઢી લો કારણ કે સાબુથી તે નિસ્તેજ બને છે અને તેના પર પડ ચઢે છે. જો તમારા સોનામાં અન્ય નંગો જડેલા હોય તો અલ્ટ્રાસોનિક પધ્ધતિથી તે ધોવાનું ટાળો.

ચાંદીઃ
ચાંદીની વસ્તુઓ એક એક  પીસ ઠંડી અને સૂકી જગ્યાએ સાચવો. હવા અને પ્રકાશથી તેને દૂર રાખો. સ્વીમીંગ પુલકે હોટ ટબમાં જતા પહેલાં ચાંદીના ઘરેણાં કાઢી નાખો. પોલીશીંગ ક્લોથ કે ફેલ્ટના કપડાં સિવાય અન્ય ચીજથી ચાંદીની વસ્તુઓ ઘસવી નહીં. ટીશ્યુપેપર કે પેપર ટોવેલના રેસાં ચાંદી ઉપર ઘસરકા પાડી દે છે. સાબુના દ્રાવણમાં ચાંદીના વાસણો ધોઇ તેને સુંવાળા કપડાંથી લૂછી નાખો.

મોતીઃ
હંમેશા તેને ટીશ્યુપેપર અથવા બટવામાં પેક કરીને રાખો. પર્સ, બેગ કે જ્વેલરી બોક્સમાં મોતી જેમ તેમ રાખો નહીં. તેની સપાટી ઉપર તેનાથી ઘસરડા પડે છે. વાપર્યા બાદ સુંવાળા કપડાંથી તેને લૂછી લેવા. વર્ષે એકવાર જ્વેલર પાસે  મોતી પરોવાયાં હોય તે દોરા મજબૂત છે કે નહીં તેની તપાસ કરાવી લો. તેની ગાંઠ  એવી રીતે મારવી કે એક ગાંઠ તૂટે તો પણ મોતી પડી જાય  નહીં. કલ્ચર્ડ મોતીને રસાયણોથી ધોવાનું ટાળો.

કિંમતી ઘડિયાળની સંભાળઃ
ઘરેણાંની જેમ જ તેની પણ સંભાળ જરૃરી છે. સમયાંતરે તેના પટ્ટા અને પીન તપાસતાં રહો. ઉત્પાદક પાસે અમુક સમયે તપાસ કરાવવા લઇ જાઓ. તેને આંચકા આવે નહીં તેનું ધ્યાન રાખો. તૂટેલા કે ઘસરડા પડેલા કાચ તરત બદલી નાખો કારણ કે વાળ જેટલી તડ હશે તો પણ તેમાંથી ધૂળ  અને તેમજ ઘડિયાળની અંદર જઇ તેના મશીનને નુકસાન કરે છે. શાવર, સ્વીમીંગપુલ કે વરસાદમાં ઘડિયાળ પહેરવાનું ટાળો. કોઇપણ જાતની રીપેરીંગ  જાતે કરો નહીં પણ ઘડિયાળ બનાવનાર પાસે લઇ જાઓ. ક્વાર્ટઝ ઘડિયાળની બેટરી ખલાસ થાય તો તરત જ બદલી નાખો. કારણ કે ખરાબ બેટરી લીક થાય તો કાટ ખાઇને ઘડિયાળને નુકસાન કરે છે.
- જયવંતી

  Source :http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/precautions-for-jewelry-care
 
Post a Comment