01 August 2014

HOW TO PRESERVE PRECIOUS JEWELERY -કિંમતી જ્વેલરીનું જતન

કિંમતી જ્વેલરીનું જતન

- ઝાંખાં ઘરેણાંને ઘરમાં જ ઝળકાવવાના સરળ કીમિયા

સોનાના ભાવ નીચે આવવાનું નામ નથી લેતાં. સામાન્ય માણસ માટે સુવર્ણાલંકારો લેવાં પહોંચની બહાર બની ગયા છે. ત્યારે તેમણે અગાઉના આભૂષણોથી જ કામ ચલાવવું પડે છે. પ્રસંગોપાત દાગીના પહેરવાના હોય અને તેની ચમક ઝાંખી પડી ગઈ હોય ત્યારે મહિલાઓનું મન કચવાય તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં ઘણીવાર માનુનીઓ ઝવેરી પાસે જઈને દાગીનાને પોલીશ કરાવી લેતી હોય છે. પરંતુ જો આભૂષણોની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો તેની ચમક જળવાઈ રહે. ચાહે તે રોજ પહેરવાના અલંકારો હોય કે પ્રસંગોપાત ધારણ કરવાના. નિષ્ણાતો ઘરેણાંની સારસંભાળ લેવાનું માર્ગદર્શન આપતાં કહે છે કે....
* કપડાં કે વાસણ ધોતી વખતે બંગડી અને વીંટી ઉતારીને કબાટમાં મૂકી દો. સાબુ અથવા લિક્વિડ સોપમાં રહેલા રસાયણો તમારા અલંકારોને નુકસાન પહોંચાડે છે.
* જીમમાં વર્કઆઉટ કર્યા પછી તરત જ સ્ટીમ બાથ લેવા જવાનું હોય ત્યારે સોનાની વીંટી અને બુટ્ટી ઉતારી નાખો. આનું કારણ એ છે કે અચાનક બદલાતા તાપમાનને કારણે સુવર્ણાલંકારોને નુકસાન થવાની ભીતિ રહે છે.
* ક્લોરિનથી સોનાના દાગીના ઝાંખા પડી જાય છે. તેથી તરણહોજમાં સુવર્ણના ઘરેણાં પહેરવાનું ટાળો.
* રોજ પહેરવાના દાગીનામાં પરસેવો, તેલ, સાબુ વગેરે લાગતાં રહે છે. પરિણામે તે થોડાં ઝાંખા પડી જાય છે. આ અલંકારોને ફરીથી ચમકાવવા નવશેકા પાણીમાં થોડાં ટીપાં લિક્વિડ સોપ નાખો. હવે આ પાણીમાં તમારા ઘરેણાં અડધા કલાક સુધી ડૂબાડી રાખો. ત્યાર બાદ તેને બહાર કાઢી કોરા રૃમાલ પર સુકવવા મૂકી દો. તેને કોઈપણ રીતે ઘસવાની જરૃર નથી. સુકાઈ ગયા પછી પાછાં પહેરી લો. આ રીતે જ પ્રસંગોપાત પહેરવાના દાગીના પરથી પરસેવો કે પરફ્યૂમ દૂર કરી શકાય. હા, આ પ્રયોગ માત્ર નંગ જડયા વિનાના કે અન્ય કોઈ કામ કર્યા વગરના સુવર્ણાલંકારો પર જ કરી શકાય.
* જો ઘરેણાંની ડિઝાઈન વચ્ચે ધૂળ જમા થઈ ગઈ હોય તો હુંફાળા પાણીમાં થોડાં ટીપાં લિક્વિડ સોપ નાખીને થોડીવાર મૂકી રાખો. ત્યાર બાદ સોફ્ટ ટૂથ બ્રશ વડે હળવે હાથે તેમાં જામેલી ધૂળ દૂર કરો. કડક બ્રિસલવાળું ટૂથબ્રશ ઉપયોગમાં લેવાની ભૂલ ન કરો.
* ઝાંખા પડી ગયેલા સોનાના અલંકારોને ફરીથી ચમકાવવા લિક્વિડ સોપવાળા પાણીમાં થોડાં ટીપાં અમોનિયા પણ નાખી શકાય. આ પાણીમાં અલંકારો બોળીને તેને સોફ્ટ ટૂથ બ્રશથી હળવા હાથે ઘસો. ત્યારબાદ તે હૂંફાળા પાણી વડે ધોઈ લો.
* રત્ન જડિત અલંકારોને લિક્વિડ સોપવાળા પાણીમાં બોળી રાખીને ધોવાં સલાહભર્યાં નથી. તેનાથી  રત્નો ઢીલાં પડીને નીકળી જવાનો ભય રહે છે. બહેતર છે કે સાબુવાળા પાણીમાં મુલાયમ કપડું ભીંજવીને હળવે હાથે રત્નજડિત અલંકારો પર ઘસો. પછી સાદા પાણીથી ભીંજવેલા અન્ય સ્વચ્છ કપડા વડે તેને લૂછીને કોરું થવા દો. સુકાઈ જાય એટલે જ્વેલરી બોક્સમાં પાછાં મૂકી દો.
* મોતી જડેલા સોનાના દાગીના વિશેષ કાળજી માગી લે છે. આ ઘરેણાં હમેશાં બૉક્સમાં રૃ પાથરીને તેના ઉપર જ મૂકો. આ દાગીના સાથે અન્ય આભૂષણો ન મૂકો.
* ખોટી રીતે અથવા ખોટી સાધન-સામગ્રી વડે સ્વચ્છ કરવામાં આવેલા અલંકારોને નુકસાન થવાનો ડર રહે છે. તેથી દાગીના ધોવા હળવું ક્લિનિંગ એજન્ટ (લિક્વિડ સોપ કે સાબુ) વાપરવાનો જ આગ્રહ રાખો. આમ છતાં જો તમને એમ લાગે કે તમારા  અલંકારોને ખરેખર પોલીશ કરાવવાની આવશ્યક્તા છે તો માત્ર પ્રોફેશનલ વ્યક્તિ પાસેથી જ આ કામ કરાવો.
- વૈશાલી ઠક્કર
Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/precious-jewelery-preserve

No comments: