કવિ ગેટેએ બરાબર ૧૯૦ વર્ષ પહેલાં ૨પ-૨-૧૮૨૪ના કહેલું કે 'સમય એ બહુ જ વિચિત્ર 'બદમાશ’ છે. સમય બહુ જ બેઢંગો છે. તેના ચહેરા-મહોરા દરેક સદીમાં જુદા હોય છે.’ જ્યારે ભારત પાસે અઢળક સોનું હતું ત્યારે મોગલો, મરાઠાઓ, અંગ્રેજો તમામ આપણને લૂંટતા હતા. આજે ભારતની ઓફિશિયલ તિજોરીમાં સૌથી ઓછું એટલે ૧૦ દેશોમાં સૌથી ઓછું સોનું છે. જગતભરનો લુટારો દેશ અમેરિકા કુલ્લે ૮૧૩૩.પ ટન સોનું ઓફિશિયલી ધરાવે છે. ધારો કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધી જાય તો આ ૮૧૩૩ ટન સોનામાંથી એક રત્તીભાર નહીં વેચે અને હાથ ઊંચા કરી દેશે. ચીન જે ગરીબમાં ગરીબ હતું તેની પાસે બહુ ઓછું સોનું હતું અને માઓત્સે તુંગ સોનાને ધિક્કારતા. આજે તેનું સોનાનું પૂતળું છે અને જગતમાં અમેરિકા પછી જર્મનીમાં અને સોનામાં બીજે નંબર ૩૩૯૧.૩ ટન સોનું ધરાવે છે.
ઈટાલી અને ફ્રાંસ પછી ચીન આજે ૧૦પ૪ ટન સોનું તેની સામ્યવાદી તિજોરીમાં ધરાવે છે અને ભારત? સૌથી સમૃદ્ધ દેશ જેનું સોનું ચારેકોરથી લુટાતું હતું તેની પાસે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મને આજે મળ્યા તે પ્રમાણે પપ૭.૭ ટન સોનું છે. પણ આપણા ભગવાનો અને મંદિરો ડાહ્યા છે કે અમેરિકા અને આખી દુનિયા પાસે જેટલું સોનું નથી એટલું આપણાં મંદિરો, ધર્મસ્થાનકો અને આપણા રિક્ષાવાળા અને ઘરકામ કરવાવાળીઓ પાસે છે. મારે ત્યાં કામ કરતી હેમા બોરીચા નામની બહેન કહે છે કે દરેક હરિજન કે ઝૂંપડાવાળા કે ગરીબના ગરીબને ઘરે બેથી ત્રણ તોલા સોનું હશે જ. ચરોતર પાટીદાર કોમનાં આગેવાન અને મુંબઈના પૂર્વ શેરીફ અને ઉદ્યોગપતિ ડો. મોહન પટેલ કહે છે કે અમારા પટેલને ઘરે દીકરી અવતરે એટલે યુવાન બાપ કે ભાઈ, કેન્યા કે આફ્રિકાની સ્ટીમર પકડતો અને બહેન કે દીકરીનાં લગ્ન માટે બહેન-દીકરીને સોનાનાં ઘરેણાંથી લાદી દઈને વટ પાડવાનો પ્રયાસ કરતો.
સોનું આજે મોભાનું પ્રતીક અને મધ્યમ કે ગરીબ વર્ગ માટે સંકટ સમયની સાંકળ બન્યું છે. માત્ર ભારતમાં જ નહીં દરેક દેશમાં બહેન-દીકરીને સૌથી મોટા લાડ સોનાનાં ઘરેણાંથી કરાય છે. તુકીર્માં ગર્ભવતી પુત્રી સુવાવડ કરવા પિયરમાં આવે ત્યારે જ ગર્ભવતી બહેન-દીકરીને કાંડે સોનાની બ્રેસલેટ પહેરાવાય છે. ઘણા મુસ્લિમ દેશોમાં અને ઈરાનમાં દીકરી અવતરે એટલે બાપ તેને માટે ઈયરિંગ, નેકલેસ, બ્રેસલેટ કે સોનાની કંઈ પણ ચીજ ખરીદે છે અને દીકરો અવતરે ત્યારે લાકડાની ચીજ ખરીદાતી મહીસુર રાજ્યના બ્રાહ્મણો ધનિક હતા તે દીકરાને જનોઈ પહેરાવે તે વૈભવ બતાવવા સોનાની જનોઈ પહેરાવતા. ભાભીઓ 'સોનીડા’ને તેડાવવાનાં ગીત ગાતી: 'માંડવડે કાઈ ઢાળોને બાજોઠી, ફરતી મેલોને કંકાવટી,આજ મારે લખવી છે કંકોતરી,તેડાવોને કાંઈ ગોંડળ ગામના સોની કે આજે મારે ઘડાવવી છ,નણંદ બાની સોનાની નથડી...’ આપણી સરકાર ભલે સોનાના સરકારી સ્ટોકમાં કંગાળ હોય પણ ભારતની પાસે ચારેકોરે મંદિરો-મસ્જિદો, ગુરુદ્વારા સ્વામિનારાયણ કે તમામ પંથોનાં દેવળો-મંદિરો કે વ્યક્તિગત જે સોનું પડયું છે તે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને તેનું રોલિંગ થયા કરે.
યુવાનિયા તમે બડાઈ મારી શકો કે મારો દેશ સૌથી ખાનગીમાં સમૃદ્ધ છે. સોનાનો લેખ લખું ત્યારે મારા ઝાંઝમેર ગામના વતન પાસે માત્ર ત્રણ ગાઉ દૂર બગડ નદીને કાંઠે દાઠામાં ત્રિભુવન ભીમજીનું ઘર આવેલુ અને મને જૂનો મરડો થતાં દાઠાના દવાખાને ૧૯૪૭મા દવા કરાવવા ગયો ત્યાં ભીમજી દાદાને ઘરે રહેલો. એ ભીમજી દાદા મારી દાદીને સોનાનું ઘરેણું ઘરે બેસીને ઘડી દેતા. એ પછી ભીમજી દાદાનો દીકરો ત્રિભુવનદાસ મુંબઈ આવ્યા અને ત્રિભુવનદાસ ભીમજીની દુકાન કરી ત્યારે સવાસોથી વધુ વર્ષ પહેલાં આ પેઢીની દુકાન ઉપર મુંબઈમાં પ૦ ટકા સોની કારીગરો નભતા. અમેરિકન સરકાર પહેલેથી પ-૪-૧૯૩૩થી લુચ્ચી છે. પ્રમુખ રૂઝવેલ્ટે ઢોંગ ક્ર્યો કે સોનું યુઝલેસ છે માત્ર શ્રમિક-લેબર જ સંપત્તિ-વેલ્થ પેદા કરે છે. સોનું તો તમને ભ્રમમાં નાખે છે.
પમી માર્ચ ૧૯૩૩ના રૂઝવેલ્ટે હુકમ કરીને જે ખાનગી સોનું રાખે તેનો તે વખતના ૧૦૦૦૦ ડોલર દંડ કરાતો (આજના ૧.૬૭ લાખ ડોલર) અગર ૧૦ વર્ષની કેદ કેલિફોર્નિયાના નેવાડા સ્ટેટના વોલ્ટર સામાઝકો નામના અમેરિકનના વોશિંગ મશીનમાંથી રૂ. ૪૬૨ કરોડના સોનાના સિક્કા, ઘરેણા, બંગડી વગેરે સંઘરીને મરી ગયેલો, તેમ 'બિઝનેસવીક’ ૧૦.૨.૨૦૧૩માં લેખ છે આ માણસ ૭૦ લાખ ડોલરના અમેરિકન સિક્કા, ઓસ્ટ્રીયન ચલણ (ડુકાટ), દ. આફ્રિકાના સોનેરી કુગરેન્ડઝ અને કેટલાક ભારતીય રૂપિયા હતા. ખરેખર ૪પ વર્ષમાં સોના વિશે લખી લખીને મને આફરો ચઢયો છે. મારા ચાર પુસ્તકો સોના વિશે એપ્રિલની શરૂમાં આવશે. સોનાનો હવે ઘણો મેડિસિનલ ઉપયોગ થાય છે. જગતમાં ૮.પ ટ્રિલિયન ડોલર સોનું કુલ્લે છે, તેમાંથી ૧૦ ટકા ઔષધના ઉપયોગમાં અને ખાસ તો આયુર્વેદમાં વપરાય છે.
ક્લીઓપેટ્રા સારી ઉંઘ આવે તે માટે તેમજ ચામડી ગોરી થાય તે માટે ચાદરમાં સોનું વાપરતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં ડો. રિચાર્ડ હોલીડે લંડનના ડેઈલી મેઈલમાં લખે છે કે બની શકે ત્યાં સુધી સ્ત્રીઓએ ગળામાં અને કાંડામાં સોનું પહેરવું જ. પુરુષોએ સોનાની ઘડિયાળનો પટ્ટો કે બન્ને આંગળામાં ૨૪ કેરટની સોનાની વીંટી પહેરવી. હાર્ટ ડીઝીઝ માટેના પેસમેકરમાં સોનું હોય છે. રૂયુમેટોઈડ આર્થરાઈટસની સર્જિકલ ટ્રીટમેન્ટમાં તેમજ હવે કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ સોનું વપરાય છે. જાપાનમાં કેથીંરીન ડેનઝીએ સોનામાંથી બ્યુટી ટ્રીટમેન્ટની દવા બનાવી છે.
ઠંડા પ્રદેશમાં વિમાનમાં લઈ જાય તેના વીન્ડશીલ્ડમાં સોનાને કવર અપાય છે. તેથી કાચ ફાટી ન જાય. આજે પણ યુરોપમાં ઘણા ધનિકો તેનો વૈભવ બતાવવા અમુક મીઠાઈઓ અને ખાદ્યોમા સોનાના ફ્લેક્સ (ફુલ) વાપરે છે. જર્મનીમાં હર્બલ વોટર (ઔષધિય) પાણી વેચાય છે. તે પાણી ૧૦૦૦ ડોલરનું એક બોટલ ભરીને વેચાય છે, તે ધનિકોની કોકટેલ પાર્ટીમાં મોંઘું પાણી (સોનાવાળુ) વાપરીને વૈભવ બતાવાય છે. અરે મારા વાલીડાઓ વૈભવ બતાવવો હોય તો સોનેરી દિલ રાખોને
Source: http://www.divyabhaskar.co.in/news-srh/ABH-article-of-kanti-bhatt-4539130-NOR.html
No comments:
Post a Comment