10 September 2014

KANTI BHATT ABOUT GOLD IN DIVYA BHASKAR -સોનામાં ચાંદી

'ગોડ’ અને 'ગોલ્ડ’માં 'એલ’ અક્ષર જ આડો છે
સોનામાં ચાંદી: સોનાને ચમકતું રાખનારા ધરતીના બે છોરુ છે, એક સ્ત્રી અને બીજો ખેડૂત
 
જર્મન કવિ જોહાનીસ ગુટનબર્ગ જેણે આધુનિક પ્રિન્ટિંગની કળા ૧૪૦૦ની સાલમાં વિકસાવી તે સોનાનો પણ જબરો શોખીન અને સંગ્રાહક હતો. તેણે કવિતા લખી છે તેનો સીધો ગુજરાતી ભાવાનુવાદ કરું છું 'ઓ મારા વહાલમજી તું આ મોંઘાદાટ ફૂલ ભેટમાં લાવ્યો પણ મારો આત્મા તો તારા પ્રેમથી સુગંધીત છે. જો ભૌતિક ચીજ ભેટ આપવી હોય તો તું સોનાનુ કોઈ ઘેરણું લાવ્યો હોત ગોડ અને ગોલ્ડના સ્પેલીંગમાં ગોલ્ડ માત્ર એક જ અક્ષર વચ્ચે આડો છે.’
 
આજે ગોલ્ડન એઈજ, ગોલ્ડન હાર્ટ, ગોલ્ડન રૂલ વગેરે શબ્દો વપરાય છે. સોનાના વિષયને આજે લીધો છે એટલા માટે કે હમણા મોરારીબાપુના સાંસ્કૃતિક પર્વને બહાને ગામડામાં ફરી આવ્યો. ત્યાં મેઘરાજાની મહેર છે. ધરતી લીલી કંજાર છે. પાક પાણી સારા થશે ખેડૂતોના ચહેરા ઉજળા છે. સોનાને ચમકતું રાખનારા ધરતીના બે છોરૂ છે, એક સ્ત્રી અને બીજો ખેડૂત. તમે મુંબઈના પરામાં જાઓ ત્યાં દરેક પરામાં બબ્બે ત્રણ-ત્રણ સોનાની (ઝવેરી) દુકાનો ખુલી ગઈ છે. જે સોની સીધો ચાલ્યો છે તે સોની કે ઝવેરી બે પાંદડે થયો છે.
 
મિત્ર જયેશ સોની કાઠીયાવાડથી પંદર વર્ષ પહેલાં આવ્યો ત્યારે 'લગભગ’ પહેરેલે કપડે આવ્યો. તેના પિતા મારા મિત્ર હતા. તે દુબઈમાં રાજકોટના સોની હરીભાઈને ત્યાં કામ કરતા. મને શારજાહનું ક્રિકેટ જોવા સ્ટેડીયમમાં મુકી જતા. એ ઓળખાણે જયેશ મારો મિત્ર થયો. પણ લોહીમાં સોનું અને કારીગરી હતા. ખુબ મહેનત પછી તેણે સોનાના ઘેરણા મિત્રો વતી બીજા પાસે ઘડાવી ઘડાવીને મદદ કરી પોતે સોનાનાં ઘરેણાનો ઝવેરી બન્યો. આજે તેનું ઘરેણાનું કારખાનું દહિ‌સરમાં ધમધમે છે. ૧૩ કારીગરોને રોજી આપે છે. જયેશ કહે છે કે સગવડે સોનું ખરીદો તેની સલાહ મિત્રોને કામ લાગી છે. જેણે સોનું ખરીદ્યું તેના ભાવ ૧૨-૧પ વર્ષમાં બમણા થયા છે. અરે સોનાના રાજસ્થાની વેપારીની જ વાત કરો. ગયા વર્ષે જૂન ૨૦૧૩માં આ વેપારી-પૃથ્વીરાજ કોઠારી જે રિદ્ધિ સિદ્ધિ બુલિયન્સની પેઢીથી મુંબઈમાં જબરજસ્ત સોના-ઝવેરાતનો ધંધો કરે છે તેને ત્યાં ઈન્કમટેક્સના વ્યાપક દરોડા પડેલા. એ દરોડા દેખાવના હતા કે 'કડદા’ માટે હતા કે રીયલ હતા તેની પંચાતમાં નહીં પડીએ.
 
ભારત જેવો સવા અબજનો દેશ અને ૩૦ કરોડનું બુદ્ધિબળ અને ૧૧૦૦ જેટલા બીલીયોનેર છે તે દેશ શું કામ દુબઈ-શારજાહનાં સોનાનાં બે નંબરીયા બજારને ધમધમાવે છે? નરેન્દ્ર મોદી, રિ. બેન્કના ગર્વનર રઘુરામ રાજન અને ઝવેરી બજારના પ્રતિષ્ઠીત ગોલ્ડના ડીલર્સ વગેરેની મંડળી મળીને વિચારણા કરે કે શું કામ અમુક નામના બંધન સાથે ભારત જ સોનું ખરીદીને રાખી મુકવાનું સસ્તુ અને સલામત કેન્દ્ર ન બને? પાકિસ્તાની પણ તેનું સોનું ભારતમાં રાખી શકે. ભારતને સોનાની ખરીદ-વેચાણનું મુક્ત કેન્દ્ર બનાવો.પણ એ આડી વાત થઈ. સોના સાથે પત્રકાર તરીકે મારે જૂના સમયથી નાતો છે. હું એક વખત દુબઈ ગયો ત્યારે હરીભાઈ સોનીની દુકાને ગયો ત્યારે દાઉદ ઈબ્રાહિ‌મની પત્ની પણ ત્યાં ઘરેણા ખરીદવા આવી હતી. સોનાનો લગાવ તેને કેમ ન હોય?
 
મુંબઈનાં પૃથ્વીરાજ કોઠારીની વાત કરીએ અને તેને ત્યાં પણ 'દરોડા’ પડયા તે વાતને ભૂલી જઈએ તો પૃથ્વીરાજ કોઠારીને તો સોનું અઢળક દુઝયુ છે. હજી માત્ર ૧૯૯૭-૯૮માં તે નાના વેપારીમાંથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ બુલીયન ડીલર બન્યા છે. તેમણે પોતાની બ્રાંન્ડ ઊભી કરી છે અને સોનાના રોજીંદા રીટેલ વેપારમાં તે આધુનિક કમ્યુનિકેશનની મદદથી મશીન દ્વારા ૧ તોલાથી ૧ કિલો સુધીનું સોનું વેચે છે અને આજે મુંબઈમાં પાયધુની, મસ્જિદબદર રોડ, શેખમેમણ સ્ટ્રીટ, તાંબા કાઢાના સરનામેથી સુરત, અમદાવાદ, રાજકોટ, ઈંદ્રોર, પુણે, કોલકતા, ત્રિસુરે, હૈદરાબાદ, ચિન્નઈ, કોઝીકોડ, વિઝાગાપટ્ટનમ અને વિજયવાડાથી ક્યાં ક્યાં પહોંચ્યા છે. તેની કંપનીના બેનંબરી હવાલા ટ્રાન્ઝેકશન જ ઈન્કમટેક્સના કહેવા પ્રમાણે વર્ષે રૂ. ૨પ૦૦૦ કરોડનાં હતા હતા?
 
ઓનલાઈન બિઝનેસની આધુનિક પદ્ધતિથી નાનામાં નાના ખરીદનારની સોનાની ભૂખ ભાંગે છે. તમે ઓનલાઈન ખાતુ ખોલાવીને ૧ ગ્રામ જેટલું ઓછામાં ઓછું સોનું બટન દબાવીને ખરીદી શકો છો. હવે ચાંદી પણ મળે છે. અરે સોનું-ચાંદી તમારે ઘરે ડિલિવરી કરી જાય છે. પત્રકારો તો કેટલાક પૃથ્વીરાજ કોઠારીને ત્યાં દરોડા પડયા ત્યારે પોતાના દરોડાનું પાનુ પકાવવા ગયા તેને નાસ્તાપાણી કરાવીને કહ્યું કે 'અરે ભાઈ આ તો રૂટીન ચેકીંગ હતું. દરોડા જેવુ કંઈ હતું નહીં’ બોલ કનૈયાલાલ કી જય જે કંપનીનો વાર્ષિ‌ક ટર્નઓવર રૂ. ૨૨૯૦૦ કરોડે પહોંચ્યા હોય એ થોડા મૂરખ છે કે તેના 'ચોપડા’ દરોડા માટે ઢીલા રાખે? તેનું તમામ કામ જડબેસલાક છે. નહીંતર કેમ ૧૦ વર્ષમાં આસમાનને આંબે? ઉપરાંત બુલીયન ડીલર્સ એસોસિયેશને તેને છેક ૨૦૦૯માં ફોગટ 'બેસ્ટ બુલીયન’ ડીલર્સનો એર્વોડ આપે?
 
તમારે અંગતરીતે તમારી નાની-મોટી બચતને ઠેકાણે પાડનારા કે કાયદેસર ઈન્વેસ્ટ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટંટ હશે જ. નીતીન ગાંધી નામના ઈન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે તે કાયદેસર તમારી બચતને પ્યોર કાનૂની સાધનોમાં ઈન્વેસ્ટ કરી આપે છે. હવે તો સરકારે પણ આ રાજસ્થાની કંપનીને એક્ષપોર્ટ પ્રોમોશન કાઉન્સીલમાં લીધા છે. દશેરા-દીવાળી આવશે ત્યારે વરસાદ-પાણી સારા છે એટલે ચારેકોરથીસોના, ઝવેરાત, ચાંદીની ખરીદી થશે અને હવે આ કીંમતી ધાતુઓ જેમાં પ્લેટીનમ પણ આવે છે તેની ઓનલાઈન ખરીદી-વેચાણ થશે અને બ્રાન્ડેડ સોના સિક્કા મળશે.સાધારણ રીતે ભારતમા તહેવારો દરમિયાન પંદરેક ટન સોનું કે સિક્કા વેચાય જ છે.
 
દિવાળી પતી જાય પછી થોડા વખતમાં લાડલી બહેન, દીકરી, નણંદ કે ભોજાઈના ઘરે લગ્નનાં મંગળ ગીત ગવાશે. અમારા ઝાંઝમેર ગામમાં દીકરીના લગ્ન લેવાના હોય તે પહેલા ગામના સોનીને ખાસ યાદ કરાતો. ભાવનગરના દરબાર ભાવસિંહજી બાપુ અને પછી તેમના પ્રજાવત્સલ યુવરાજ કૃષ્ણકુમારસિંહજી ગોહીલ રાજા થયા. તેણે રાજ ક્ર્યું તે દરમિયાન ભાવનગર સ્ટેટમા લગભગ દરેક ગામડે એક સોની, એક મોચી, એક લુહાર, બે-ત્રણ દરજી અને અરધોડઝન વીશા વણિક-જૈનની દુકાનો હોય જ તેવી ગોઠવણ કરેલી.
 
અમારા ૮૦૦ માણસની વસતિના ગામમા ગોવિંદજી સોની હતા તે રાત્રે ગામના ચોકીદાર હતા અને દિવસના ઘરમાં નાનકડી ભઠ્ઠી ઉપર અડાયા છાણાંની અિગ્નમાં (થોડી કોલસી) સોનું ઓગાળીને ઘરેણા ઘડતા. ગામનો સોની પાંચમાં સારા અવસરે 'પરથમ’ સોની યાદ કરાતો.આવું ગીત મેં જૂના ગ્રામીણ ગીતમાં થોડા સુધારો કરીને રચેલુ:

માંડવડે રે કાંઈ ઢાળોને બાજોઠી કે ફરતી મેલોને કંકાવટી તેડાવોરે કાંઈ આશાપુરાનો જોષી કે, આજ મારે લખવી છે કંકોત્રી અને તેડાવો રે કોઈ રાજકોટ ગામના સોની કે, ઘડાવવી છે મારે નણંદ બાની બંગડી, નથડી ને ઝાંઝરીયું
 
કાન્તિ ભટ્ટ
Source:http://www.divyabhaskar.co.in/news/ABH-l-character-is-remain-in-god-and-gold-4735518-NOR.html

No comments: