
વિશ્વના હીરાના કટિંગ - પોલિશિંગ બજારમાં 80 ટકાથી વધુ હિસ્સો ધરાવતા સુરતમાં મોટા ભાગે સૌરાષ્ટ્રના રત્નકલાકારો કામ કરે છે અને પરંપરાગત દિવાળી વેકેશન અગાઉ જ ઉદ્યોગ ક્રિસમસના મોટા ભાગના ઓર્ડરનું કામ પૂર્ણ કરે છે .
સુરતના 4,000 થી વધુ હીરાના કટિંગ - પોલિશિંગના એકમો 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન દિવાળી વેકેશનની રજા શરૂ કરશે . મોટા ભાગની કંપનીઓ બેથી ત્રણ અઠવાડિયાં માટે દિવાળી વેકેશન રાખશે .
ઉદ્યોગ માટે સારી બાબત એ છે કે આર્થિક ચડાવ - ઉતાર અને રૂપિયાની તીવ્ર વધઘટ છતાં ક્રિસમસ માટે સારા ઓર્ડર મળ્યા છે . ’’ એમ સુરત ડાયમન્ડ એસોસિયેશન ( એસડીએ ) ના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે 2008 માં લિમેન બ્રધર્સ કટોકટીના પગલે અમેરિકામાં પોલિશ્ડ હીરાની માંગમાં તીવ્ર ઘટાડો આવતાં સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાવવામાં આવ્યું અને ઉદ્યોગમાં લાખો રત્ન - કલાકારો બેરોજગારીનો ભોગ બન્યા હતા અને અનેક કામદારો ટેક્સટાઇલ તથા એમ્બ્રોઇડરી અને કૃષિ વ્યવસાયો સાથે જોડાયા હતા .
જોકે માર્ચ 2009 થી સુરતના હીરા ઉદ્યોગમાં ઝડપથી રિકવરી જોવા મળી હતી અને હાલમાં કુશળ કામદારો આકર્ષક વળતર મેળવે છે . હાલમાં સુરતમાં અંદાજે ચાર લાખ જેટલા રત્નકલાકારો કાર્યરત છે .
ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને સંઘવી એક્સપોર્ટ્સના ડિરેક્ટર આગમ સંઘવીએ ઇટીને જણાવ્યું હતું કે રૂ .80,000 કરોડના સુરતના હીરા ઉદ્યોગમાં ક્રિસમસના તહેવારો સહિત ડિસેમ્બરની માંગનો હિસ્સો 25 ટકા જેટલો છે અને ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીએ સમાન ઓર્ડર જોવા મળ્યા છે , જે ઉદ્યોગ માટે સારી બાબત છે . અમેરિકા અને યુરોપિયન દેશો ક્રિસમસની માંગમાં 50 ટકા હિસ્સો ધરાવે છે અને તેમની માંગ સારી જોવા મળી છે .
જોકે , દિવાળી માટેની ભારતીય માંગ પાછલાં થોડાં વર્ષોમાં પ્રથમ વખત 15 ટકા જેટલી ઘટી છે . એમ સંઘવીએ જણાવ્યું હતું .
ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા મુજબ , રૂપિયાની નબળાઈના કારણે સ્થાનિક બજાર માટે હીરા મોંઘા બન્યા છે , આ ઉપરાંત સોનાની આયાત ઘટાડવા માટે લેવાયેલાં કડક પગલાંના કારણે પણ હીરાજડિત ઘરેણાંના ઉત્પાદન પર થોડી અસર જોવા મળી છે .
source:
http://gujarati.economictimes.indiatimes.com/articleshow/24537237.cms
No comments:
Post a Comment